પહેલી જુલાઈનો દિવસ ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાવાનો છે. કેન્દ્ર સરકાર ૧ જુલાઈથી વડા પ્રધાન મોદીનાં મહત્ત્વાકાંક્ષી એક જ કરમાળખાં-GSTનો અમલ કરવા જઈ રહી છે. આમ ૧ જુલાઈએ GSTના અમલ સાથે અનેક બાબતો અને સિસ્ટમમાં ફેરફારો આવશે તે તમારી સિસ્ટમ અને લાઇફસ્ટાઇલને અસર કરશે. આમ GST સિવાય અન્ય બાબતોના અમલ માટે ૧ જુલાઈથી તૈયાર રહેવું અનિવાર્ય છે. ૧ જુલાઈથી GST સિવાય જે અન્ય ફેરફારો થઈ રહ્યા છે તેની વિગતો જાણવી જરૂરી છે.
આધાર નંબર વિના આઈટી રિટર્ન ફાઇલ કરી શકાશે નહીં: સરકારે આઈટી રિટર્ન ફાઇલ કરવા માટે તેમાં આધાર નંબર દર્શાવવો ફરજિયાત બનાવ્યો છે. ૧ જુલાઈથી તમે આધાર નંબર દર્શાવ્યા વિના આવકવેરાનું રિટર્ન ફાઇલ કરી શકશો નહીં.
પાન નંબર સાથે આધારને જોડવાનું ફરજિયાત: સરકારે ૧ જુલાઈથી પાન નંબર સાથે આધાર નંબરને જોડવાનું ફરજિયાત બનાવ્યું છે. જેથી કરચોરી માટે લોકો એક કરતાં વધુ પાન નંબરનો ઉપયોગ ન કરે. આવકવેરાની કલમ ૧૩૯છછમાં દર્શાવ્યા મુજબ જે વ્યક્તિ તેમનાં પાન નંબરને આધાર નંબર સાથે જોડશે નહીં તેમનું પાનકાર્ડ અમાન્ય ગણાશે.
આધાર વિના પાનકાર્ડ નહીં: નવું પાનકાર્ડ અને પાન નંબર મેળવવા માટે ૧ જુલાઈથી આધાર નંબર દર્શાવવો ફરજિયાત છે. આધારકાર્ડ વિના તમે ૧ જુલાઈ પછી પાનકાર્ડ મેળવી શકશો નહીં.
આધારકાર્ડ વિના પાસપોર્ટ નહીં: પાસપોર્ટની અરજી માટે વિદેશમંત્રાલયે આધાર નંબર આપવાનું ફરજિયાત બનાવ્યું છે. આથી ૧ જુલાઈ પછી આધાર નંબર દર્શાવ્યા વિના તમે પાસપોર્ટ મેળવી શકશો નહીં.
પીએફ ખાતાને આધાર સાથે જોડવું ફરજિયાત: પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન દ્વારા પીએફ ખાતાને આધાર સાથે જોડવાનું ફરજિયાત બનાવ્યું છે. પેન્શનર્સને પણ તેમનાં આધારકાર્ડની વિગતો દર્શાવવાનું કહેવામાં આવ્યું છે. આધારને પીએફ ખાતા સાથે જોડવાથી વિથ્ડ્રોેઅલ અને સેટલમેન્ટની કામગીરી ૨૦ને બદલે ૧૦ દિવસમાં આટોપી શકાશે.
રેલવે ટિકિટ પર ૧ જુલાઈથી કન્સેશન નહીં: રેલવે દ્વારા ૧ જુલાઈથી રેલવે ટિકિટો પર કન્સેશન મેળવવા માટે આધાર નંબરને ફરજિયાત બનાવાયો છે.
શાળા અને કોલેજો માટે સ્કોલરશિપ: શિક્ષણ મંત્રાલયે નોટિફિકેશન બહાર પાડયું છે કે જેઓ સ્કૂલો અને કોલેજો માટે સ્કોલરશિપ મેળવવા માગતાં હોય તેમણે ૩૦ જૂન સુધીમાં તેમની આધાર નંબરની વિગતો આપવાની રહેશે.
આધાર નંબર વિના રેશનિંગની સબસિડીના લાભ નહીં: જાહેર વિતરણ વ્યવસ્થાની સબસિડી મેળવવા માટે ૧ જુલાઈથી આધાર નંબર દર્શાવવો ફરજિયાત બનાવાયો છે, તે વિના રેશનિંગની સબસિડી અપાશે નહીં. વ્યક્તિઓએ રેશનિંગના અનાજના લાભ માટે તેમનાં રેશનકાર્ડ સાથે આધાર નંબરને લિન્ક કરવાનો રહેશે.
વિદેશ જનારા ભારતીયોએ ડિપાર્ચર ફોર્મ ભરવાનું રહેશે નહીં: વિદેશ જવા માગતાં ભારતીયોએ ૧ જુલાઈથી ડિપાર્ચર ફોર્મ કે કાર્ડ ભરવાનું રહેશે નહીં. વિદેશ જનારાઓને તકલીફ ન પડે અને હેરાનગતિ ન થાય તે માટે તેમજ ઈમિગ્રેશનની કામગીરીનો સમય ઘટાડવા આ નિર્ણય લેવાયો છે.
સાઉદી અરેબિયામાં ૧ જુલાઈથી એક્સ્પેટ ટેક્સ: સાઉદી અરેબિયા દ્વારા ૧ જુલાઈથી એક્સ્પેટ્રિએટ્સના ડિપેન્ડન્ટ્સ પર માસિક ધોરણે એક્સ્પેટ્રિએટ લેવી લાદવામાં આવી રહી છે જેની ફી આ વર્ષે પ્રત્યેક ડિપેન્ડન્ટ્સ દીઠ ૧૦૦ રિયાલ કે રૂ. ૧,૭૨૧ની આસપાસ રહેશે. આવતા વર્ષે જુલાઈથી તે બમણી થઈને ૨૦૦ રિયાલ કરાશે. ૨૦૧૯માં તે ત્રણ ગણી થઈને ૩૦૦ રિયાલ અને ૨૦૨૦માં તે ૪૦૦ રિયાલ કરાશે.
સીએ માટે ૧ જુલાઈથી નવો અભ્યાસક્રમ: જેઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બનવા માગે છે તેમને માટે વડા પ્રધાન મોદી ૧ જુલાઈથી નવો અભ્યાસક્રમ શરૂ કરી રહ્યા છે. જેમાં નવી કરવેરા સિસ્ટમ જીએસટી આવરી લેવાશે અને ઇન્ટરનેશનલ એજ્યુકેશન સ્ટાન્ડર્ડ મુજબ તે અમલી કરાશે.
ઓસ્ટ્રેલિયા જવા માગતાં ભારતીયો માટે ઓનલાઇન વિઝિટર્સ વિઝા: ઓસ્ટ્રેલિયાની સરકાર ત્યાં જવા માગતાં ભારતીયો માટે ૧ જુલાઈથી ઓનલાઈન વિઝિટર્સ વિઝા સિસ્ટમ શરૂ કરી રહી છે. આનાથી ઓનલાઇન વિઝા મંજૂર કરવાની સિસ્ટમ ઝડપી બનશે.