સળગતા દીવા વિશે આટલું જાણો

આપણે બધા જ્યારે આગને જોઈએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે આગની જયોત ઉપરની તરફ જ જાય છે. દિવાળીનો દીવો હોય, સળગતી મીણબત્તી, માચીસની સળી કે પછી પ્રાઈમસ પર સળગતી આગની જ્યોત ક્યારેય નીચેની તરફ નથી જતી. આવું શા માટે થાય છે?
લાકડું, મીણબત્તી કે માચીસની સળી વગેરે બધાં જ સળગનારા પદાર્થોમાં મુખ્ય રૂપે કાર્બન અને હાઈડ્રોજન હોય છે. જ્યારે આ પદાર્થ સળગે છે, ત્યારે સળગતા ભાગમાં અનેક ગેસ પેદા થાય છે. આ ગેસ રાસાયણિક ક્રિયાઓ દ્વારા ઉષ્મા અને પ્રકાશ પેદા કરે છે. સળગતો આ ગેસ જ આપણને જ્યોતના રૂપમાં દેખાય છે. સળગવાની ક્રિયાથી પેદા થયેલો આ ગેસ હવા કરતાં હલકો હોય છે. પોતાના આ ઓછા વજનના કારણે આ ગેસ હવામાં ઊઠે છે.
એના ઉપર ઉઠવાથી આપણને જયોત એટલે જ ઉપરની તરફ સળગતી દેખાય છે. જ્યારે આપણે કોઈ જયોત તરફ સહેજ ફૂંક મારીએ છીએ ત્યારે એ હલવા લાગે છે. મોઢામાંથી નીકળતી હવા જયોતના ગરમ ગેસને વેરવિખેર કરી નાંખે છે. આપણે જેવી ફૂંક મારવાનું બંધ કરીએ છીએ, એવી જયોત ફરી સીધી થઈ જાય છે.
હવા ન હોય ત્યારે જ્યોત હંમેશાં સીધી રહે છે.
© Copyright 2017 Educational Point
Maintained by Prashant bhatt