ઈંટ વિશે આટલું જાણો છો?

મકાનની દીવાલ ચણવા માટે પથ્થર શ્રેષ્ઠ માધ્યમ છે પ્રાચીન મકાનો અને કિલ્લાઓ પથ્થર વડે જ બનેલા. મકાનો બાંધવાનું કામ સરળ અને ચોકસાઈપૂર્વકનું બનાવવા માટે ઈંટનો ઉપયોગ શરૃ થયો. માટીની બનેલી લંબચોરસ ઈંટ પણ પ્રાચીનકાળથી બાંધકામમાં વપરાય છે.
જમીનમાંથી મળતી માટીમાં અનેક ધાતુદ્રવ્યો હોય છે. માટીમાંથી બનતી લાલ ઈંટમાં લોહતત્ત્વ વધુ હોવાથી લાલ બને છે. માટી અને પાણીના મિશ્રણને ઢાળીને તેમાંથી લંબચોરસ ઈંટો બનાવાય છે. કાચી ઈંટને ૧૦૦૦ સેન્ટીગ્રેડ ગરમીમાં તપાવીને પકવાય છે. આ માટે મોટી ભઠ્ઠીઓ હોય છે. એલ્યુમિનિયમ અને સિલિકોન ધરાવતી માટીમાંથી પીળારંગની સિરામિક ઈંટ પણ બને છે પરંતુ સાદી લાલ ઈંટોનો વ્યાપક ઉપયોગ થાય છે.
ઈંટ સામાન્ય રીતે ૮ ઈંચ લાંબી, ૩.૫ ઈંચ પહોળી અને ૩ ઈંચ ઊંચી હોય છે. વિશ્વભરના દેશોમાં થોડા ફેરફાર સાથે લગભગ આ માપની ઈંટો જ બને છે. જમીનમાંથી માટી ખોદીને તેમાંથી અશુદ્ધિઓ દૂર કરી ચાળીને શુદ્ધ માટી મેળવવામાં આવે છે. પાઉડર સ્વરૃપ માટીમાં પાણી ભેળવી તેના મિશ્રણને ઘટ્ટ કણક જેવું બનાવાય છે. તેમાંથી લંબચોરસ બિબા વડે ઈંટ ઘડાય છે. ભઠ્ઠીમાં તપાવતા પહેલાં તેને સૂર્યના તાપમાં સૂકવાય છે. ઈંટો બનાવવાની આ પ્રથા ૬૦૦૦ વર્ષ અગાઉ હતી. આજે પણ આ જ પદ્ધતિથી ઈંટ બને છે.
દીવાલ ચણવા માટે ઈંટોની આડી લાઈન ગોઠવાય છે.
લાઈનમાં રહેલી બે ઈંટોનો સાંધો ઉપરની ઈંટની મધ્યમાં આવે તે રીતે ઉપરની ઈંટ ગોઠવાય છે. પરિણામે દીવાલનું વજન દરેક ઈંટ ઉપર સરખાભાગે વહેંચાય છે. બધી ઈંટો એક સાથે ચોંટી રહે તે માટે તેની વચ્ચે રેતી સિમેન્ટ મેળવીને કોંન્ક્રિટ પાથરવામાં આવે છે.
© Copyright 2017 Educational Point
Maintained by Prashant bhatt