અમદાવાદ– ભારતમાં ઔદ્યોગિક ક્રાંતિના વિકાસમાં પોતાનો સિંહફાળો આપનારા રિલાયન્સ ગ્રૂપના સ્થાપક ચેરમેન ધીરૂભાઈ અંબાણીના દેહાવસાનને દોઢ દાયકો થઈ ગયો. આમ છતાં પણ તેમની યાદ તેમની સાથે કામ કરી ચૂકેલા મારા સહિતના રિલાયન્સના તમામ મિત્રોના દિલમાં હજુ પણ તાજી છે. તેમના સહવાસમાં તેમને અને તેમના વ્યક્તિત્વના વિવિધા પાસાઓને જેટલાં જાણી અને સમજી શક્યો છું તેમાંનાં ઘણાં પાસાઓને તેમની જન્મજયંતિ અને પુણ્યતિથિના પ્રસંગે વિવિધ લેખોમાં વણી લીધાં છે. તાજેતરમાં જ આ તમામ લેખો અને ધીરૂભાઈના જીવનના વિવિધ પ્રસંગોને સાંકળી લેતી તસવીરો સાથેનું એક પુસ્તક તૈયાર કરી રહ્યો છું. અંગ્રેજી, હિન્દી અને ગુજરાતીમાં જાણીતા પ્રકાશકો તેનું પ્રકાશન કરશે.
જુલાઈ 7, 2002નો દિવસ ગુજરાત વિધાનસભાનો ઐતિહાસિક દિવસ લેખી શકાય. આ દિવસે તે સમયના ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને હાલમાં આપણાં વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીના વડપણ હેઠળની ગુજરાત સરકારે ધીરૂભાઈ અંબાણીને શ્રધ્ધાંજલિ આપવા માટે ઠરાવ પસાર કર્યો હતો અને સચિવાલયમાં ખાસ પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રાર્થના સભામાં માનનીય નરેન્દ્રભાઈ મોદી સહિત તેમનાં મંત્રીમંડળના વરિષ્ઠ સભ્યો તેમજ ગુજરાત વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા ઉપસ્થિત રહ્યા હતા અને ભારતીય ઉદ્યોગજગતના વિકાસમાં ધીરૂભાઈના પ્રદાનને સૌએ બિરદાવેલું.
ધીરૂભાઈ વિશે લખેલા મારા પુસ્તકમાં મેં જુલાઈ 7, 2002ના દિવસે યોજાયેલી પ્રાર્થના સભામાં માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલી શ્રદ્ધાંજલિનો અહેવાલ પણ વિશિષ્ટ રીતે આવરી લીધો છે, જે પુસ્તક હાથમાં લીધી પછી જ વાચકો જાણી શકશે. નરેન્દ્રભાઈએ આ પ્રાર્થના સભામાં જણાવ્યું હતું કે ભણતર અને ગણતર વચ્ચેનો ભેદ એટલે ધીરૂભાઈ. આ શબ્દો ધીરૂભાઈના જીવન અને તેમની કાર્યશૈલી અંગે ઘણું કહી જાય છે.
“એકમેવઃ ધીરૂભાઈ અંબાણી” પુસ્તકનું શિર્ષક પણ ઘણો વિચાર કર્યા પછી જ આપવામાં આવેલું છે. ભારતમાં ઘણા ઉદ્યોગપતિઓ થઈ ગયા જેમણે શૂન્યમાંથી સર્જન કર્યું હોય. પરંતુ ધીરૂભાઈ અંબાણી તો માત્ર ક્વચિત જ જન્મ લેતા હોય છે. ધીરૂભાઈના હૈયે માત્ર પોતાનું કે પોતાના પરિવારનું જ નહીં પરંતુ ગુજરાત અને સમગ્ર ભારતનું હિત વસેલું હતું. વાવાઝોડું, ભૂકંપ કે અન્ય કોઈપણ કુદરતી આફતના સમયે લોકોને મદદરૂપ થવા માટે ધીરૂભાઈ હંમેશા તૈયાર ર
હેતા. એટલું જ નહીં, પરંતુ નર્મદાના નીર સૌરાષ્ટ્રની ધરતીને મળે તે માટે પણ ધીરૂભાઈએ ખાનગી રીતે ઘણાં પ્રયાસ કર્યા હતા. ભારતીય શેરબજાર જ્યારે માત્ર મુઠ્ઠીભર માલેતુજારોનો ઇજારો હતો તેવા સમયે મધ્યમ વર્ગના લોકોને નાણાંના રોકાણ માટે શેરબજારનો માર્ગ બતાવનાર ધીરૂભાઈ જ હતા. તેમને માત્ર કંપનીની નફાકારકતા વધે તે માટે જ નહીં પરંતુ રોકાણકારોના હિતનું રક્ષણ થાય અને તેમની સંપત્તિમાં વધારો થાય તેવી ચિંતા સતત રહેતી.
આ પુસ્તકની પ્રસ્તાવના રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ ડી. અંબાણીએ લખીને મને કૃતાર્થ કર્યો છે. તેમનો અભિપ્રાય પણ પુસ્તકમાં પ્રકાશિત થયા પછી વાચકો જાણી શકશે.
મને આશા છે કે મારા આદર્શ અને પ્રેરણામૂર્તિ ધીરૂભાઈ અંબાણીના જીવનના વિવિધ પાસાઓને રજૂ કરતાં વિવિધ લેખોના સંગ્રહરૂપ આ પુસ્તકથી ઘણાં લોકો તેમના જીવનમાંથી પ્રેરણા મેળવીને પોતાના જીવનમાં નિષ્ફળતા ભૂલીને અથાગ પ્રયત્નો કરી સફળતા મેળવશે.
(લેખક- પરિમલ નથવાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના કોર્પોરેટ અફેર્સ વિભાગના ગ્રૂપ પ્રેસિડેન્ટ તથા રાજયસભા સાંસદ છે)