જેરૂસલેમઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાના ત્રણ દિવસીય પ્રવાસ પર મંગળવારે ઇઝરાયલ પહોંચ્યા. ઇઝરાયલના પ્રવાસ પર જનારા તેઓ પ્રથમ ભારતીય વડાપ્રધાન છે. ઇઝરાયલમાં પીએમ મોદીના રહેવા માટે વિશ્વની સૌથી સુરક્ષિત હોટલની વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યાં મોદીએ કોઈપણ સુરક્ષાની ચિંતા કર્યા વગર આરામ ફરમાવ્યો. તેમને હોટલના જે સ્યુટમાં રાખવામાં આવ્યા હતા તે વિશ્વની સૌથી સુરક્ષિત જગ્યા માનવામાં આવે છે.
મોદી ઇઝરાયલના કિંગ ડેવીડ હોટલમાં રોકાણા હતા જેને અત્યંત સુરક્ષિત ગણવામાં આવે છે. મીડીયા રિપોર્ટ અનુસાર આ સ્થળ બોંબ ધડાકા, રાસાયણિક હુમલા જેવી દરેક ચીજથી સુરક્ષિત છે. આ અંગે કહેવાય છે કે, જો સમગ્ર હોટલને બોંબથી ફુંકી મારવામાં આવે તો પણ પીએમનો સ્યુટ સુરક્ષિત રહેશે.
આ એક એવી હોટલ છે જયાં અમેરિકી રાષ્ટ્રપતિથી લઇને ઇઝરાયલના ખાસ મહેમાનો રોકાય છે. આ હોટલમાં બિલ કલીન્ટન, જયોર્જ બુશ, બરાક ઓબામા અને ડોનાલ્ડ ટ્રમ્પ રોકાઇ ચુકયા છે. હોટલમાં ૧૧૦ રૂમ ભારતીય ડેલીગેશન માટે બુક કરવામાં છે. પીએમ મોદીના ખાનપાનની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.
મોદી માટે હોટલમાં શાકાહારી ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. હોટલમાં ગુજરાતી ભોજન પીરસાયુ હતુ જેમાં ઇંડા વગરનું અને ખાંડ વગરની વાનગીઓની કાળજી રાખવામાં આવી હતી. એટલુ જ નહી ભારતીય પ્રતિનિધિ મંડળને જે ફુલો પસંદ છે તેની સજાવટ કરવામાં આવી હતી. મોદીના રૂમમાં પણ રસોડુ છે જેમાં ભારતીય ભોજનની વ્યવસ્થા છે.
આ હોટલના રૂમ પર કોઇ પ્રકારના બોંબ કે કેમીકલ એટેકની અસર થતી નથી. રીટઝ કિંગ ડેવીડ હોટલમાં સંચાલનના વડા છે. રીટઝ પીએમ મોદીની યાત્રાના પ્રભારી પણ છે.